Jasprit Bumrah's Record: જસપ્રિત બુમરાહે ODI વર્લ્ડ કપ 2023માં એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી, જે ટૂર્નામેન્ટના 48 વર્ષના ઈતિહાસમાં કોઈ ભારતીય બોલર કરી શક્યો ન હતો. વાસ્તવમાં, જસપ્રીત બુમરાહે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી, જેની સાથે બુમરાહ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. 


બુમરાહે શ્રીલંકાના પથુમ નિસાન્કાને પ્રથમ બોલ પર એલબીડબલ્યુ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બુમરાહે મિડલ સ્ટમ્પની લાઇન પર બોલ ફેંક્યો, જે ઓફ સ્ટમ્પ પરથી સ્વિંગ થયો અને નિસાન્કાના પેડ પર અથડાયો. અમ્પાયરે આંગળી ઊંચી કરીને તેને આઉટ જાહેર કર્યો. પરંતુ નિસાન્કાએ રિવ્યુ લીધો, જેનાથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું કે તે આઉટ છે.


 






ત્રણ ભારતીય બેટ્સમેન સદી ચૂકી ગયા
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમના કુલ ત્રણ બેટ્સમેનો સદી ચૂકી ગયા જેમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલે 92 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ 94 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 88 રન બનાવ્યા હતા.


ત્યારબાદ ચોથા નંબર પર બેટિંગ કરતા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે શાનદાર ઇનિંગ રમી અને 146.43ના સ્ટ્રાઇક રેટથી 56 બોલમાં 82 રન બનાવ્યા. અય્યરે તેની વિસ્ફોટક ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા, જેમાં વર્લ્ડ કપ 2023ની અત્યાર સુધીની 106 મીટરની સૌથી લાંબી છગ્ગાનો સમાવેશ થાય છે. શાનદાર બેટિંગના કારણે ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા.


શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી


ભારતના 357 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જસપ્રિત બુમરાહે શ્રીલંકાની ઇનિંગ્સના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિમુથ કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.  જ્યારે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 2 રન હતો. શ્રીલંકાના 5 ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાના 8 બેટ્સમેન ડબલ ફિગરનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.