ZIM vs SCO, Match Report : સ્કોટલેન્ડે વધુ એક ઉલટફેર કર્યો છે. આજે વર્લ્ડકપ ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વે સામે સ્કોટલેન્ડનો પડકાર હતો. આ મેચમાં સ્કોટલેન્ડે યજમાન ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ હાર બાદ ઝિમ્બાબ્વેનું 2023માં વર્લ્ડકપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. સીન વિલિયમ્સની સુકાની ઝિમ્બાબ્વે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાનું ચૂકી ગયું છે.


રેયાન બર્લની શાનદાર ઇનિંગ્સ બેકાર ગઈ


બીજી તરફ આ મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સીન વિલિયમ્સની ટીમ 41.1 ઓવરમાં માત્ર 203 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી રેયાન બર્લે શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. રેયાન બર્લે 84 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય સિકંદર રઝાએ 40 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ યજમાન ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.


ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ નિરાશ કર્યા 


ઝિમ્બાબ્વેના 6 બેટ્સમેન તો ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. બીજી તરફ સ્કોટલેન્ડના બોલરોની વાત કરીએ તો ક્રિસ સોલ સૌથી સફળ બોલર રહ્યો હતો. ક્રિસ સોલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય બ્રાંડન મેકમુલન અને માઈકલ લીસ્કને 2-2 સફળતા મળી હતી. જ્યારે સફયાન શરીફ, માર્ક વેઈટ અને ક્રિસ ગ્રેવસે ​​1-1 વિકેટ લીધી હતી.


આ પહેલા ઝિમ્બાબ્વેના કેપ્ટન સીન વિલિયમ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 234 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ તરફથી માઈકલ લીસે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જ્યારે આ સિવાય મેથ્યુ ક્રોસ અને બ્રેન્ડન મેક્કુલમે અનુક્રમે 38 અને 43 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સીન વિલિયમ્સે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેંડલ ચતારાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે રિચાર્ડ નગારવાને 1 સફળતા મળી હતી.


આ અગાઉ 2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે. 


ICC ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર 2023ની સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આમ સ્કોટલેન્ડે  વેસ્ટ ઈન્ડિઝ જેવી અનુંભવી ગણાતી ટીમને વર્લ્ડકપ 2023 માંથી બહાર કરી દેતા એકથી એક આક્રમક અને પ્રભાવશાળી ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. વિન્ડીઝની ટીમ 48 વર્ષમાં પહેલીવાર ODI વર્લ્ડકપમાં નહીં રમે.


https://t.me/abpasmitaofficial