Women's T20 World Cup 2023: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ખિતાબી જંગ માટે બે ટીમો મેદાનમાં ઉતરશે, એકબાજુ ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયા છે, તો બીજીબાજુ એકવાર પણ કોઇ આઇસીસી ટ્રૉફી ના જીતી શકનારી સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમે છે, આજનો દિવસ ખાસ કરીને સાઉથ આફ્રિકન ક્રિકેટ માટે એક મોટો ઐતિહાસિક દિવસ બની રહેશે, કેમ કે આઇસીસીની કોઇપણ મોટી ઇવેન્ટમાં દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમ પછી તે પુરુષ હોય કે મહિલા ક્યારે જીત હાંસલ નથી કરી શકી. 


આજે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે. એકબાજુ ઓસ્ટ્રેલિયા સાતમી વાર ફાઇનલમાં પહોંચી છે, તો બીજીબાજુ સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઇનલનો સફર કરવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 5 રનથી હરાવ્યુ હતુ, અને દક્ષિણ આફ્રિકાની ટીમે ઇંગ્લિશ મહિલા ટીમને 6 રનથી હાર આપીને ફાઇનલની ટિકીટ પાક્કી કરી લીધી હતી, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ ટૂર્નામેન્ટમાં એક જ ગૃપમાં હતી, અને અહીં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરી ચૂકી છે. જોકે, આજની મેચ કંઇક અલગ રહી શકે છે. 


સાઉથ આફ્રિકન ટીમે છેલ્લી 12 મેચોમાં સારી પ્રગતિ કરી છે, અને આનો દારોમદાર આજે પણ પોતાની ઓપનિંગ જોડી પર રહેશે, સાઉથ આફ્રિકન ટીમમાં લૌરા વૂલફાર્ટ અને તાજમિન બ્રિટ્સ સારી બેટિંગ કરીને ટીમને સારી શરૂઆત અપાવે છે, અને આ કારણે આફ્રિકન ટીમ મોટો સ્કૉર ઉભો કરવામાં સફળ રહે છે. બ્રિટ્સ સેમિ ફાઇનલ મેચની પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂકી છે, બ્રિટ્સ ભાલા ફેંકમાં પૂર્વ જૂનિયર વિશ્વ ચેમ્પીયન છે, પરંતુ 2012માં કાર દૂર્ઘટનાના કારણે તેનું ઓલિમ્પિક રમવાનું સપનુ તુટી ગયુ હતુ. હવે આજે ફાઇનલમાં ક્રિકેટમાં કંઇક મોટુ કરીને દેશને પહેલો આઇસીસી ખિતાબ અપાવી શકે છે. 


આજે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ટક્કર સાંજે 6.30 વાગ્યાથી સાઉથ આફ્રિકન મહિલા ક્રિકેટ ટીમ સામે થવાની છે, આ મેચ કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.