નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ફી એક વખત મેદાન પર છગ્ગા-ચોગ્ગા ફટકારતો જોવા મળી શકે છે. અહેવાલ છે કે યુવરાજ સિંહ નિવૃત્તિમાંથી વાપસી કરી ઘરેલુ ક્રિકેટમાં પંજાબ માટે રમી શકે છે. યુવરાજ સિંહનની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની જાહેરાત ગુરુવાર થઈ શકે છે. પંજાબ ક્રિકેટ સંઘ (પીસીએ)ના સચિવ પુનીત બાલીએ આ વાતની જાણકારી આપી છે.


યુવરાજે વિતેલા વર્ષે જૂનમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે ભારત માટે છેલ્લે 2017માં રમ્યો હતો. છેલ્લા મહિને બાલીએ તેને નિવૃત્તિ પરત લેવા અને પંજાબના યુવાને મેન્ટોર કરવાની વાત કહી હતી અને આ ડાબોડી બેટ્સમેને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

બાલીએ કહ્યું, “મને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી મળી. હું જ એ વ્યક્તિ હતો જેણે તેને નિવૃત્તિ પરત લેવાની અપીલ કરી હતી કારણ કે હું ઇચ્છતો હતો કે તે યુવા ખેલાડીઓને મેન્ટોર કરે. મને ગુરુવાર સુધીમાં સત્તાવાર સહમતી મળી શકે છે.”

જો યુવરાજ વાપસી કરે છે તો તે કદાચ પંજાબના માટે માત્ર ટી20માં જ રમશે. તે પંજાબના યુવા ખેલાડીઓ- શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસિમનર સિંહ અને અનમોલપ્રીત સિંહની સાથે મોહાલનીના પીસીએ સ્ટેડિયમમાં કામ કરી રહ્યો છે. પંજાબના ઓફ સીઝન શિબિરમાં તેણે કેટલીક પ્રેક્ટિસ મેચ રમી હતી અને તે સમયે જ બાલીએ તેને વાપસી માટે અપીલ કરી હતી.

જોકે યુવરાજ સિંહની વાપસીની રાહ એટલી સરળ નથી. યુવરાજ સિંહ નિવૃત્તિ લીધા બાદ કેનેડા 20-20 લીગ અને ટી10 લીગમાં ભાગ લઈ ચૂક્યો છે. બીસીસીઆઈ પોતાનો કોઈપણ ખેલાડીને વિદેશી લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી આપતી. યુવરાજ સિંહ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની લીગ બીબીએલમાં જોડાવાના અહેવાલ હતા. એવામાં ગુરુવારે જ તમામ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. યુવરાજે ભારતે માટે 304 વનડે, 40 ટેસ્ટ અને 58 ટી20 મેચ રમ્યા છે.