IND vs ZIM: ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 મેચમાં ભારતને 13 રને હરાવ્યું છે. ભારતીય ટીમના 8 બેટ્સમેન રનના મામલામાં બે આંકડાને પણ સ્પર્શી શક્યા નહી. ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 115 રન બનાવ્યા હતા, પરંતુ જ્યારે ભારત લક્ષ્યાંકનો પીછો કરવા આવ્યું ત્યારે અડધીથી વધુ ટીમ 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 47 રન હતો. જોકે અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરની 23 રનની નાની પરંતુ મહત્વની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની આશા જગાવી હતી, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ અલગ મૂડમાં જોવા મળી હતી. કેપ્ટન સિકંદર રજાએ ભારત માટે વધારે મુશ્કેલી ઉભી કરી, જેણે 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી. આ 2024માં ટી20 ક્રિકેટમાં ભારતની આ પ્રથમ હાર છે.



ભારતને જીતવા માટે 116 રન બનાવવાના હતા, પરંતુ પ્રથમ ઓવરમાં જ વિકેટ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અભિષેક શર્મા પોતાની ડેબ્યૂ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. વિકેટો પડવાની શ્રેણી એવી રીતે શરૂ થઈ કે એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 47 રન હતો. ઋતુરાજ ગાયકવાડે 7 રન બનાવ્યા હતા, જ્યારે રિયાન પરાગ પણ પોતાની ડેબ્યુ મેચમાં માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ જ મેચમાં ધ્રુવ જુરેલે ટી20માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેના બેટમાંથી માત્ર 7 રન જ નીકળ્યા હતા. ટીમ ઈન્ડિયાને રિંકુ સિંહ પર ઘણો વિશ્વાસ હતો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. એક તરફ ભારતીય બેટ્સમેનો પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા, તો બીજી તરફ કેપ્ટન શુભમન ગિલ મક્કમ રીતે ઉભો હતો. ગિલે 25 બોલમાં 31 રન બનાવ્યા હતા, પરંતુ નિર્ણાયક સમયે સિકંદર રઝા દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો.


ઝિમ્બાબ્વેને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો


ટોસ હાર્યા બાદ યજમાન ટીમ ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે રવિ બિશ્નોઈએ ટીમને શરૂઆતી આંચકા આપ્યા હતા, તેમ છતાં ઝિમ્બાબ્વે 115 રન બનાવવામાં સફળ રહી હતી. ટીમની ઇનિંગ્સને આગળ ધપાવવામાં વેસ્લી માધવેરે 21 રન, બ્રાયન બેનેટે 22 અને ડીયોન માયર્સે 23 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ ઝિમ્બાબ્વે માટે ક્લાઈવ મંડાડે તારણહાર બનીને આવ્યો હતો.  ટીમે 90 રનના સ્કોર પર 9મી વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ક્લાઈવ મંડાડે 29 રન બનાવીને ટીમનો સ્કોર 115 રન સુધી લઈ ગયો હતો.


વોશિંગ્ટન સુંદરે મેચને રોમાંચથી ભરી દીધી હતી


વોશિંગ્ટન સુંદર 7મા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો અને ત્યાં સુધીમાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ટીમે 47 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે સુંદર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે દબાણથી ભરેલી પરિસ્થિતિમાં 30 બોલમાં 30 રનની ઇનિંગ રમીને મેચમાં રોમાંચ વધાર્યો હતો. ભારતને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 18 રન બનાવવાના હતા, પરંતુ માત્ર એક જ વિકેટ બાકી હોવાથી સુંદરે એક પણ રન ન લેવાનો નિર્ણય કર્યો. અંતે ભારતને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો.