India vs Australia Women Hockey Semifinal Match, CWG 2022: બર્મિંગહામમાં રમાઈ રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકીની ટીમ સેમિફાઇનલ મેચમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને શૂટ આઉટમાં 3-0થી હરાવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સતત પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ ભલે ગોલ્ડ મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતી શકે છે.






શૂટ આઉટમાં ઓસ્ટ્રેલિયા 3-0થી જીત્યું હતું


અગાઉ આ મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી મેચનું પરિણામ મેળવવા માટે શૂટ આઉટ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 3-0થી જીતી ગઇ હતી. જોકે, ભારતની હાર માટે નબળી અમ્પાયરિંગ પણ જવાબદાર હતી. ભારતે શૂટ આઉટમાં પહેલો ગોલ બચાવી લીધો હતો, પરંતુ પછી જાણવા મળ્યું કે ક્લોક શરૂ થઈ નહોતી અને ઓસ્ટ્રેલિયાને બીજી તક આપવામાં આવી હતી. આ પછી ભારતીય ટીમ પાછળ રહી ગઇ હતી.






આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે હાફ ટાઈમ સુધી ભારત પર 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર ગોલ રેબેકા ગ્રેનરે 10મી મિનિટે કર્યો હતો. જો કે આ પછી ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરમાં પહેલો ગોલ કર્યો હતો. ભારત તરફથી વંદના કટારિયાએ ગોલ કર્યો હતો. આ સાથે મેચ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં વંદનાનો આ ચોથો ગોલ છે.