નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિન્દુ ક્રિકેટરો સાથે ભેદભાવની વાતો સામે આવ્યા બાદ ભૂતપૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કનેરિયાએ આ વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને એવા ક્રિકેટરોનું સ્વાગત કર્યું જેમણે દેશને પણ વેચી દીધો હતો.


યુટ્યુબ પર પોસ્ટ કરેલા આ વિડિઓની શરૂઆતમાં કનેરિયા કહે છે,‘નમસ્કાર, સલામ, જય શ્રી રામ. તમે જે પ્રેમ અને સપોર્ટ મને છેલ્લા અમુક દિવસથી આપી રહ્યા છો તે અંગે હું કઇ પણ કહેવામાં અસમર્થ છું.’ તેને કહ્યું કે,‘જે લોકો એવું કહી રહ્યા છે કે યુટ્યુબના માધ્યમથી સસ્તી ખ્યાતિ મેળવવા માટે હું આ વાતો કરી રહ્યો છું. તો તેમને યાદ અપાવી દઉ કે મે નહીં પરંતુ શોએબ અખ્તરે આ વાતો કહી હતી. મે જ્યારે એ બધું સહન કર્યું ત્યારે એવી વાતોને મે ક્યારે મારા રમત અને ક્રિકેટની આગળ આવવા ન દીધી. મે હમેશા મારી રમત પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.’

કનેરિયા આગળ કહે છે કે, ‘ફિક્સિંગ અંગે મારા વિશે વાતો કરે છે પણ પહેલા જાણી તો લો કે મારા પર બીજા સાથી ક્રિકેટર્સને ઉશ્કેરવાના આરોપ લાગ્યા હતા. મેં દેશને વેચ્યો તો નથી ને. અહીં તો એવા લોકો છે જેમણે દેશને વેચ્યો, જેલ ગયા અને પછી આવીને ટીમમાં ક્રિકેટ રમવા લાગ્યા. તેમનું સન્માન કરવામાં આવ્યું. મેં તો કોઈ પૈસા ખાધા નથી, મારી ભૂલ પણ સ્વીકાર કરી.’

જણાવી દઈએ કે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે, પૂર્વ લેગ સ્પિનર કનેરિયાને તેના ધર્મના કારણે ઘણા લોકો ટીમમાં જોવા માગતા નહોતા. જોકે, તેણે હવે આના પર સ્પષ્ટતા આપી અને કહ્યું કે, તેના આ નિવેદનને પૂર્ણ રીતે ખોટું સમજવામાં આવ્યું. તેણે કહ્યું કે, ધાર્મિક આધાર પર કોઈની સાથે ભેદભાવ કરવો તેની ટીમનું કલ્ચર નથી.