નવી દિલ્હીઃ ક્રિકેટના જનક ઇંગ્લેન્ડે પહેલીવાર આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ પર કબજો જમાવ્યો, પહેલી વાર વર્લ્ડકપ જીતમાં સૌથી મોટો ફાળો આપનારા ખેલાડી ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચર છે. હવે આર્ચરે વર્લ્ડકપ અને પોતાની લાઇફને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આર્ચરે કહ્યું કે, તે આખી વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં દવાઓ ખાઇ ખાઇને રમ્યો હતો, તે સખત દુઃખાવાથી પીડાતો હતો, છતાં પોતાની ટીમ માટે ટીમમાં સામેલ થયો હતો.

આર્ચરે વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ તરફથી 20 વિકેટ લીધી હતી અને ટીમને પ્રથમ વખત વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આર્ચર આખી ટૂર્નામેન્ટમાં પેઇન કિલર લઇને રમતો રહ્યો હતો.

વર્લ્ડકપની પાંચમી મેચ આફઘાનિસ્તાન સામે રમાઇ ત્યારે જોફ્રા આર્ચરને ઇજા થઇ હતી. ત્યારબાદ તેને અડધી ટૂર્નામેન્ટમાંથી પેઇન કિલર લેવાનું શરૂ કર્યુ હતુ. કેપ્ટન મોર્ગને ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જોફ્રાને આરામ ન હતો આપ્યો અને રમાડ્યો હતો.



ટુર્નામેન્ટ દરમિયાન મને એક પણ સપ્તાહનો આરામ નહોતો મળ્યો. મેચ બે-ત્રણ દિવસના અંતરે જ રમાતી હોવાથી પૂરતો આરામ થઈ શકતો નહોતો. મારે ઈજામુક્ત થવા 10 દિવસ આરામની જરૂર હતી. ઈંગ્લેન્ડની ટીમ 1 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝ રમશે. આર્ચર હજુ સુધી ઈંગ્લેન્ડ તરફથી એક પણ ટેસ્ટ રમ્યો નથી.