સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક અને તેની પત્ની કાઈલીએ લગ્નના 7 વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા. 2012માં લગ્નના બંધનમાં બંધાયેલા ક્લાર્ક અને કાઈલીએ પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ કપલને ચાર વર્ષની પુત્રી પણ છે જેનું નામ કેલસી લી છે. જોકે આ છૂટાછેડા ઘણાં મોંઘા રહ્યાં છે. આ છૂટાછેડા માટે ક્લાર્કે 40 મિલિયન ડોલર એટલે કે અંદાજીત 285 કરોડ રૂપિયા ચૂકવ્યાં હતાં જેમાં એક ઘર પણ સામેલ છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું.

‘ધ ઓસ્ટ્રેલિયન’માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, આ કપલે જાહેર કર્યું છે કે, થોડો સમય અલગ રહ્યા બાદ અમે સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. અમારા મનમાં એકબીજા પ્રત્યે ભારોભાર સન્માન છે. અમે બંને સહમતિથી અલગ થયા છીએ. આ અમારા માટે સારું છે અને અમે બંને સાથે મળીને અમારી પુત્રીની સાળ-સંભાળ રાખીશું.

ફોક્સ સ્પોર્ટ્સના અહેવાલ પ્રમાણે, ક્લાર્ક અને તેની પત્ની પાંચ મહિનાથી અલગ રહેતો હતો. ક્લાર્ક ઘર છોડીને બીજા ઘરમાં રહેવા ગયો હતો. 38 વર્ષિય કાઈલી કપલના જૂના ઘરમાં પુત્રી સાથે રહેશે.

નોંધનીય છે કે, માઈકલ ક્લાર્ક 2015ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સુકાની હતો. 2015માં મેલબોર્નમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ ક્લાર્કની કારકિર્દીની અંતિમ મેચ હતી. તેણે ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટ રમી છે. જેમાં તેણે 28 સદી સાથે 8643 રન નોંધાવ્યા હતા. તેણે 245 વન-ડે અને 34 ટી20 મેચ પણ રમી છે.