નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઈકલ ક્લાર્ક અને તેને પત્ની કાઈલીએ બુધવારે અલગ થવાની જાહેરાત કરી છે. ક્લાર્ક અને તેની પત્ની કાઇલીએ મે 2012માં લગ્ન કર્યા હતા અને તેની એક ચાર વર્ષની દીકરી કેલ્સી લી પણ છે. ક્લાર્ક અને કાઈલીએ સંયુક્ત નિવેદન જારી કરીને છૂટા પડવાની જાહેરાત કરી છે.


નિવેદનમાં કહ્યું કે, “થોડા સમય સુધી અલગ રહ્યા બાદ અમે કપલ તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે. એક બીજાનું સન્માન કરતાં અમે નક્કી કર્યું છે કે અમારી દીકરીના ઉછેર માટે આ નિર્ણય જ યોગ્ય છે.”ઓસ્ટ્રેલિયા મીડિયામાં ચર્ચા છે કે આ છૂટાછેડા 40 મિલિયન ડોલરમાં થયા છે.

કહેવાય છે કે, ક્લાર્ક અને કાઇલી વિતેલા 5 મહિનાથી અલગ રહેતા હતા. કાઈલી પહેલા ક્લાર્ક મોડલ લારા બિંગલને સીથે સંબંધમાં હતો પરંતુ 2010માં બન્ને અલગ થઈ ગયા હતા. બિંગલે 2014માં અવતાર ફિલ્મના એક્ટર સેમ વોરથિંગટનના સાથે લગ્ન કર્યા હતા.



જણાવીએ કે, વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા હતા કે માઈકલ ક્લાર્કનું પોતાની અસિસ્ટન્ટ સાથે લફરું ચાલે છે. તેની અસિસ્ટન્ટનું નામ સાશા આર્મસ્ટ્રોંગ છે જે તેની ક્રિકેટ એકેડમીનું કામકાજ સંભાળે છે. ક્લાર્ક અને તેની અસિસ્ટન્ટ સાશાની મીડિયામાં કેટલીક તસવીરો લીક થઈ હતી, જેમાં તે એક લક્ઝરી યોટમાં જોવા મળ્યા હતા. એવામાં અટકળો છે કે આ અફેરને કારણે જ ક્લાર્ક પત્ની કાયલીને છૂટાછેડા આપી રહ્યો છે.

નોંધનીય છે કે, માઈકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટ મેચ રમી છે ચેમાં 28 સેન્ચુરીની મદદતી 8643 રન બનાવ્યાછે. ક્લાર્કના નામે 245 વનડેમાં 7981 રન બનાવ્યા છે. એટલું જ નહીં, ક્લાર્કની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા વર્ષ 2015માં પોતાના ઘરઆંગણે વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.