નવી દિલ્હીઃ પાકિસ્તાનથી એક મોટી ખબર સામે આવી છે. મેચ ફિક્સિંગને લઇને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે મોટો ખુલાસો કર્યો છે. શોએબ અખ્તરનું કહેવું છે કે પૂરી પાકિસ્તાનની ટીમ મેચ ફિક્સ કરતી હતી.

આ મોટા ખુલાસા બાદ સુપરફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટની પોલ ખોલી દીધી છે. શોએબ અખ્તરે કહ્યું કે, પાકિસ્તાને કોણ જાણે કેટલી મેચ ફિક્સ કરીને રમી છે. તેની ટીમના તમામ ખેલાડી મેચ ફિક્સિંગમાં સામેલ રહેતાં હતાં.

2011માં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડી ઝડપાયા હતા. મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફ અને સલમાન બટ્ટને આ માટે સજા પણ થઈ હતી. તેમની કારકિર્દી લગભગ રોળાઈ ગઈ હતી. એક ટીવી શોમાં શોએબ અખ્તરે જણાવ્યું હતું કે હું હંમેશાં એમ માનતો આવ્યો છું કે હું પાકિસ્તાન સાથે ક્યારેય છેતરપિંડી કરીશ નહીં. ક્યારેય મેચ ફિક્સિંગ કરીશ નહીં પરંતુ મારી આસપાસ બધા ફિક્સર જ હતા.



હું 21 ખેલાડીઓનો સામનો કરી રહ્યો હતો જેમાં હરીફ ટીમના 11 ઉપરાંત મારી ટીમના જ દસ ખેલાડી મારા હરીફ હતા. કોણ મેચ ફિક્સર છે તે જ ખબર પડતી ન હતી. મેચ ફિક્સિંગ એટલી હદે હતું કે મોહમ્મદ આસિફે કઈ કઈ મેચ ફિક્સ કરી છે તે મને કહ્યું હતું. તેણે મને એ મેચો કેવી રીતે ફિક્સ કરી છે તે પણ કહ્યું હતું.

પૂર્વ ક્રિકેટરે વધુમાં જણાવ્યું કે, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને મે ખૂબ સમજાવ્યા. બંનેએ મેચ ફિક્સ કરી. આસિફે મને કહ્યું હતું કે કેટલી અને કેવી રીતે મેચ ફિક્સ કરી. તે જાણ્યા બાદ હું આમિર અને આસિફને મારવા ગયો હતો, પરંતુ જ્યારે તે બંને મને ન મળ્યાં તો ગુસ્સામાં મે દિવાલમાં મુક્કો માર્યો.