નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને કરાચીમાં જન્મેલ મોહમ્મદ બશીર વચ્ચેનો સંબંધ 2011 વર્લ્જકપમાં ભારત પાકિસ્તાનની વચ્ચે સેમીફાઈનલથી શરૂ થયો હતો. આ સંબંધ એવો છે કે મેચની ટિકિટ ન હોવા છતાં રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે માનચેસ્ટરમાં રમાનાર મેચ માટે તેઓ શિકાગોથી માનચેસ્ટર પહોંચી ગયા. તેઓ જાણે છે કે ધોની વ્યવસ્થા કરશે કે તેઓ ઑલ્ડ ટ્રેફર્ડ પર મેચ જોઇ શકે. આ 63 વર્ષનાં પ્રશંસકની શિકાગોમાં રેસ્ટોરન્ટ છે અને તેમની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે.




તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું અહીં ગઇકાલે જ આવી ગયો હતો અને મે જોયું કે લોકો એક ટિકિટ માટે 800થી 900 પાઉન્ડ સુધીનો ખર્ચ કરી રહ્યા છે. આટલો જ ખર્ચ શિકાગો પરત જવા માટેનો પણ છે. ધોનીનો આભાર, કેમકે મારે મેચની ટિકિટ માટે આટલું મથવું નથી પડતુ.”



બશીર કહે છે કે, “હું તેમને ફોન નથી કરતો, કેમકે તેઓ આટલા વ્યસ્ત રહે છે. હું મેસેજ દ્વારા જ તેમના સંપર્કમાં રહું છું.” તેમણે કહ્યું કે, “હું અહીં આવુ તે પહેલા જ ધોનીએ મને ટિકિટ માટેની ખાતરી કરી આપી હતી. તે ઘણા જ સારા વ્યક્તિ છે. તેમણે મોહાલીમાં 2011 મેચ બાદ મારા માટે જે કર્યું છે, મને નથી લાગતુ કે તે વિશે કોઈ વિચારી પણ શકે છે.”