નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આજે એટલે કે 18 માર્ચના રોજ આઈપીએલ 12નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, 23 માર્ચથી શરૂ થઈ રહેલ આઈપીએલની 12મી સીઝનમાં રમાનાર તમામ મેચોની તારીખની જાહેરાત સોમવારે મુંબઈમાં મળનારી પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની બેઠક બાદ થઈ શકે છે. હાલમાં બીસીસીઆઈએ 23 માર્ચથી 5 એપ્રિલ સુધીના 17 મેચના કાર્યક્રમની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, આ પહેલા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે IPL મેચનો કાર્યક્રમ અને તારીખો વિશે જાહેરાત સોમવારે COAની બેઠકમાં થઈ શકે છે. જ્યારે બીસીસીઆઈએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ સાથે વાતચીત કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, IPL-12ની તમામ મેચ ભારતમાં રમાશે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ તૈયાર કરવામાં આવશે.
જોકે આ પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે આ વર્ષે ચૂંટણીના લીધે IPL દુબઈ, દક્ષિણ આફ્રિકા અથવા ઇંગ્લેન્ડમાં યોજાઈ શકે છે. કારણે કે પહેલા પણ જ્યારે દેશમાં સામાન્ય ચૂટંણી હતી ત્યારે IPLનું આયોજન દક્ષિણ આફ્રિકા અને અબુધાબીમાં કરવામાં આવ્યું હતું.