નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ મહિલા ટી 20 વિશ્વ કપની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં જ ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ શાનદાર કરી આ સાથે જ એક ખાસ ઉપલબ્ધિ તેણે પોતાના નામે કરી છે.


હરમનપ્રીત કૌર હવે ભારતની પ્રથમ એવી મહિલા ખેલાડી બની ગઈ છે કે જેણે પોતાના દેશ માટે સૌથી વધારે મહિલા ટી 20 વિશ્વ કપ રમ્યા હોય. આ તેનો સાતમો ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ છે. તેણે મિતાલી રાજને પાછળ છોડી દીધી છે. મિતાલીએ અત્યાર સુધીમાં ભારત માટે 6 મહિલા ટી 20 વર્લ્ડ કપ રમ્યા છે. હવે આ નવો રેકોર્ડ હરમનપ્રીત કૌરના નામ પર થઈ ગયો છે.

ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.5 ઓવરમાં 115 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પૂનમ યાદવે 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે શિખા પાંડેએ ત્રણ વિકેટ ઝડપી હતી. પૂનમને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવી છે.