નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી ટીમના કેપ્ટન રાની રામપાલે ઈતિહાસ રચી દીધો છે. રાની રામપાલ ગુરુવારે વિશ્વની પહેલી હૉકી ખેલાડી બની ગઈ છે જેણે પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઑફ ધ યર એવોર્ડ’ પોતાના નામે કર્યો છે. ધ વર્લ્ડ ગેમ્સે દુનિયાભરના સ્પોર્ટ પ્રેમીઓ દ્વારા 20 દિવસની વોટિંગ બાદ ગુરુવારે વિજેતાની જાહેરાત કરી હતી.


ધ વર્લ્ડ ગેમ્સ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતીય હૉકીની સુપરસ્ટાર રાની ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઑફ ધ યર 2019’ બની છે. રાની 1,99,477 વોટ સાથે વિજેતા બની છે. જાન્યુઆરીમાં 20 દિવસમાં વિશ્વભરના રમતગતમ પ્રેમીઓએ પોતાની મનપસંદ ખેલાડી માટે મતદાન કર્યું હતું. તે દરમિયાન કુલ 7,05,610 વોટ પડ્યા હતા.

હાલમાં રાનીને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરાઈ હતી. ગત વર્ષે ભારતે એફઆઈએચ સીરિઝ ફાઈનલ્સ જીતી હતી અને આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ ખેલાડી તરીકે રાની રામપલાની પસંદી થઈ હતી. રાનીના નેતૃત્વમાં ભારતને ત્રીજી વખત ઓલિમ્પિક રમત માટે ક્વાલિફાઈ કર્યું છે.