આઈસીસી પ્રસંશકો સુધી ક્રિકેટને પહોંચાડવા માટે ટેલીવિઝન, રેડિયો અને ડિજિટલ માધ્યમો ઉપરાંત સમાચાર, સિનેમા, ફેન પાર્ક અને જુદા જુદા અન્ય મીડિયા ભાગીદારોની જાહેરાત કરી છે.
આઈસીસીએ પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું પ્રસારણ વૈશ્વિક બ્રોડકાસ્ટર ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત 25 ભાગીદારોની સાથે 200થી વધારે દેશોમાં કરવાનું સુનિશ્ચિત કર્યું છે.
ભારતમાં આ ટૂર્નામેન્ટ સાત ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જેના માટે સ્ટાર સ્પોર્ટ્સની દુનિયાના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરની ટીમ બનાવવામાં આવી છે. તેમાં લગભગ 50 કમેન્ટેટર સામેલ છે.
સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગલા અને મરાઠીમાં વર્લ્ડ કપનું પ્રસારણ કરશે. તેમાંથી 12 મેચને એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે.
આ પ્રથમ વખત હશે જ્યારે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ વર્લ્ડ કપનું પ્રસારણ થશે. દેશની સરકારી પ્રસારક રેડિયો ટેલીવિજન અફઘાનિસ્તાન તેનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શક સ્ટાર સ્પોર્ટ્સના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વર્લ્ડ કપના મેચ જોઈ શકશે.