નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 200થી વધારે વિકેટ લીધી છે તેમ છતાં તેની છબી બેટ્સમેન તરીકેની વધારે રહી છે. વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધારે રન, સૌથી વધારે સેન્ચુરી, સૌથી વધારે ફિપ્ટી અને સૌથી વધારે મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર સચિન તેંડુલકરને આઈસીસીએ ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે.


ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જ્યાં સચિન અને વિનોદ કાંબલી નવી મુંબઈના તેંડુલકર મીડલસેસ ગ્લોબલ એકેડમીમાં નેટ્સમાં રમતા જોવા મળે છે. સચિન પોતાના બાળપણના મિત્ર વિનોદ કાંબલીને સ્પિન બોલીંગ શીખવાડી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળ્યું કે સચિન એક બોલ ફેંકેતા સમયે ક્રિઝ પાર કરી જાય છે. આ વીડિયોને આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો અને ટ્રોલ કરતાં લખ્યું, “ફ્રન્ટ ફુટ જોઈને”. તેની સાથે જ અમ્પાયર સ્ટિવ બકનરની તસવીર પણ લગાવવામાં આવી છે જે નો બોલનો ઈશારો કરે છે.


તેંડુલકર પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણી વખત ખોટા અમ્પાયરિંગનો ભોગ બન્યા છે. ત્યાર બાદ તેંડુલકરે પણ ટ્વિટર પર આઈસીસીને પોતાના અંદાજમાં જ જવાબ આપ્યો અને લખ્યું- “સારું છે આ વખતે હું બેટિંગ નહીં પણ માત્ર બોલિંગ કરી રહ્યો છું. જોકે અમ્પાયરનો નિર્ણસ હમેશા અંતિમ હોય છે.”