નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા સ્થાન ના મળ્યા બાદ નિરાશ થયેલા અંબાતી રાયડુ માટે નવી ઓફર આવી છે. ખરેખરમાં રાયડુને આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમમાં સમાવવાની ઓફર કરી છે.




ઉલ્લેખનીય છે કે, જ્યારે વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયાની પસંદગી થઇ હતી, ત્યારે નંબર ચારની પૉઝિશન માટે રાયડુની જગ્યાએ પસંદગીકારોએ વિજય શંકરને સમાવ્યો હતો. પોતાનુ પત્તુ કપાતા નિરાશ થયેલા રાયડુએ એક 3D ચશ્મા વાળુ ટ્વીટ કર્યુ હતુ. હવે આ ટ્વીટનો જવાબ આઇસલેન્ડે આપ્યો છે. આઇસલેન્ડે અંબાતી રાયડુને પોતાના દેશની નાગરિકતા ઓફર કરી છે, ને કહ્યું કે, અંબાતી રાયડુની અમને જરૂર છે, અમારી સાથે જોડાઇ જાઓ.


આઇસલેન્ડ ક્રિકેટે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી પૉસ્ટ કરી છે, લખ્યુ છે કે, 'અગ્રવાલના પેશેવર ક્રિકેટમાં 72.33ની એવરેજથી 3 જ વિકેટ છે એટલે અંબાતી રાયડુ પોતાના 3D ગ્લાસ ઉતારી શકે છે. અમે તેના માટે જે દસ્તાવેજ તૈયાર કર્યા છે, તેને વાંચવા માટે માત્ર સાદા ચશ્મા જ જોઇશે. અમારી સાથે જોડાઇ જાઓ અંબાતી. અમને રાયડુ સાથે જોડાયેલી વાતો પસંદ છે'