નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની 10 વિકેટે હાર થઈ છે. તેની સાથે જ ન્યૂઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે  ભારતને પ્રથમ ઈનિંગમાં 165 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી અને પોતાની પ્રથમ ઇનિંગમાં 348 રન બનાવી 183 રનની લીડ મેળવી લીધી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.


વિરાટ કોહલીએ કહ્યું, ‘મેચમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન આપી શક્યા અને તેને સ્વીકારવામાં કોઈ શરમ નથી. પ્રથમ ઇિંગમાં બેટ્સમેનોનું પ્રદર્શન સારું ન રહ્યું. એવું કહી શકાય કે આ ટેસ્ટ મેચમાં ટોસે સારી ભૂમિકા ભજવી. જો મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે 230-240 રન પણ બનાવ્યા હોત તો બોલરોની મદદથી બીજી ઇનિંગમાં કંઈ આશા રાખી શકાઈ હોત. અમે આગામી મેચમાં એક સારા વિચાર અને પ્રતિસ્પર્ધાની સાથે મેદાનમાં ઉતરીશું.’

ન્યૂઝીલેન્ડની જીત માટે 9 રનની જરૂર હતી

બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેન મોટો સ્કોર ન બનાવી શક્યા અને માત્ર 191 રન જ બનાવી શક્યા જેથી ન્યૂઝીલેન્ડને જીતવા માટે માત્ર નવ રનની જરૂરત હતી જે ન્યૂઝીલેન્ડે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા. ટોમ લોથમ સાત અને ટોમ બ્લંડલે બે રન બનાવી અણનમ હ્યા.

બીજી ઇનિંગમાં સાઉદીએ 5 વિકેટ લીધી

ભારતે ચોથા દિવસની શરૂઆત ચાર વિકેટ ગુમાવીને 144 રનની સાથે કરી. તે પોતાના ખાતામાં 47 રન જોડીને બાકીની તમામ છ વિકેટ ગુમાવીને ઓલ આઉટ થઈ ગઈ. ટિમ સાઉદીએ બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ માટે પાંચ વિકેટ લીધી. જ્યારે ટેંટ બાઉલ્ટે ચાર વિકેટ લીધી.

કાઇલ જેમિસનને બીજી ઇનિંગમાં ન મળી વિકેટ

કોલિન ડી ગ્રાંડહોમને એક વિકેટ મળી. પ્રથમ મેચ રમી રહેલ કાઇલ જેમિસને પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ લીધી પરંતુ બીજી ઇનિંગમાં એક પણ વિકેટ મળી ન હતી.