મોહાલીઃ 359 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી. એરોન ફિંચ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને સ્કોર 12 રન પર 2 વિકેટ થઈ ગયો હતો. જે બાદ પીટર હેન્ડ્સકોમ્બની સદી (117) અને ઉસ્માન ખ્વાજા (91), એશ્ટોન ટર્નર (84*)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચોથી વન-ડેમાં ભારત સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 359 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીવંત રાખી છે. પાંચ મેચની શ્રેણી 2-2થી સરભર થઈ છે. શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડે 13 માર્ચના રોજ દિલ્હીમાં રમાશે. ટર્નરે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. ટર્નરે 43 બોલમાં 5 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 84 રન બનાવ્યા હતા.


ઓસ્ટ્રેલિયાની સામેની ચોથી વન ડેમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 358 રન કર્યા હતા. ભારત તરફથી શિખર ધવને સર્વાધિક 143 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 95 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 5 અને રિચર્ડસને 3 વિકેટ લીધી હતી.


ભારતની મજબૂત શરૂઆત

છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાના ઓપનરો મજબૂત શરૂઆત અપાવવામાં નિષ્ફળ જતા હતા, પરંતુ આજે તેમની પાસેથી જેવા દેખાવની અપેક્ષા રાખવામાં આવતી હતી તેવી જ  શરૂઆત કરતાં એક રેકોર્ડ બનાવ્યો હતો. શિખર ધવન (143 રન) અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે(95 રન) 31 ઓવરમાં 193 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. ધવન-રોહિતે વન ડેમાં 15મી વખત સદીની ભાગીદારી નોંધાવી હતી. ધવને 18 વન ડે ઈનિંગ બાદ સદી ફટકારી હતી.


આજની મોહાલી વનડેમાં ચાર મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવમાં ચાર મોટા ફેરફારો થયા છે, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ કેએલ રાહુલ, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્રને સામેલ કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયા હાલમાં પાંચ વનડે મેચોની સીરીઝમાં 2-1થી આગળ છે.

ટીમ ઇન્ડિયાઃ શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વરકુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.