એડિલેડ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પોતાની 74 રનની ઈનિંગ દરમિયાન ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પૂર્વ ભારતીય કેપ્ટન ઘોનીનો એક રેકોર્ડ તોડી દીધો છે.
કોહલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે હતો. પરંતુ કોહલીએ એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
તસવીર- બીસીસીઆઈ ટ્વિટર
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેપ્ટન તરીકે 813 રન બનાવ્યા હતા. કોહલીએ પિન્ક બોલ ટેસ્ટના પ્રથમ દિવસે 180 બોલ પર 74 રનની ઈનિંગ રમી અને ધોનીને પાછળ પાડી દીધો છે. પોતાની આ ઈનિંગ દરમિયાન કોહલીએ 8 ફોર માર્યા હતા.
આ સિવાય વિરાટ કોહલીએ વધુ એક ઈતિહાસ રચી દીધો છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય કેપ્ટન પણ બની ગયો છે. કોહલીના કેપ્ટન તરીકે 851 રન થઈ ગયા છે. કોહલીએ નવાબ પટૌદીનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. પટૌડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 10 ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે 829 રન બનાવ્યા હતા. કોહલી કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી અને બે ફિફ્ટી નોંધાવી ચુક્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ બનાવનાર કેપ્ટન
વિરાટ કોહલી- 830 રન
નવાબ પટૌદી - 829 રન
એમએસ ધોની- 813 રન
સુનીલ ગાવસ્કર- 543 રન
મોહમ્મદ અઝરુદ્દીન- 503 રન
વિરાટ કોહલીના નામે ભારતીય કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે.