કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન બની હતી. શ્રીલંકાના કોલંબોમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને રોમાંચક મેચમાં પાંચ રનથી હરાવીને અંડર-19 એશિયા કપ જીતી લીધો છે. ભારતે સાતમી વખત અંડર-19 એશિયા કપ જીત્યો છે. બોલર અથર્વ અંકોલેકરની શાનદાર બોલિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ પાંચ રનની જીત મેળવી હતી. અથર્વએ 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

આ અગાઉ ટીમ ઇન્ડિયાએ 106 રનનો સામાન્ય ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 101 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સતત બીજી ટુનામેન્ટ છે જેમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને ટાઇટલ જીત્યું છે. ગયા મહિને ઇગ્લેન્ડમાં ત્રિકોણીય સીરિઝમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. ભારતના નામે હવે જૂનિયર અને સીનિયર બંન્ને એશિયા કપ છે. ગયા વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને સીનિયર એશિયા કપ જીત્યો હતો.


કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બોલરોની મદદગાર પીચ પર ભારતીય ટીમે અગાઉ બેટિંગ કરતા 106 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમે શરૂઆતમાં આઠ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી શમીમ હુસેન અને મૃત્યુંજય ચૌધરીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.