નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જનારી ભારતીય T20 ટીમમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને સ્થાન મળ્યું છે. જ્યારે તેના ભાઈ હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન કૃણાલ પંડ્યાએ કહ્યું કે, તે કેપ્ટન વિરાટ કોહલી પાસેથી જીતનો ઝનૂન અને વિકેટકિપર ધોની પાસેથી ધૈર્ય શીખવા માંગે છે.



ગત વર્ષે નવેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 ઈન્ટરનેશલમાં ડેબ્યૂ કરનારા કૃણાલે અત્યાર સુધીમાં 11 મેચમાં 11 વિકેટ લેવાની સાથે પાંચ ઈનિંગમાં 23ની સરેરાશથી 70 રન ફટકાર્યાછે. કૃણાલે કહ્યું, હું કોહલી પાસેથી સતત સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે શીખવા માંગીશ. તે દરેક ફોર્મેટમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. દરેક મેચમાં તે શૂન્યથી શરૂઆત કરે છે અને બાદમાં ઘણા રન બનાવે છે અને ટીમને જીત અપાવે છે.



ધોની અંગે કહ્યું માહીભાઈનો જેવો ફિનિશર ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈ થયો નથી. મારા હિસાબે તો વર્લ્ડ ક્રિકેટમાં આવું કોઈ નથી કરી રહ્યું. તેણે સતત આમ કરીને દેખાડ્યું છે. મને લાગે છે કે તેની પાસે ધૈર્ય છે અને પરિસ્થિતિ મુજબ રમવાની ક્ષમતા છે. હું માહી ભાઈ અને વિરાટ પાસેથી આ બંને ચીજો શીખવાનો પ્રયત્ન કરીશ.