વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કોહલીને રોહિત શર્મા સાથેના મતભેદ અંગે સવાલ પૂછવામાં તો તેણે આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. તો ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે કોઈ પણ પ્લેયર ટીમથી મોટો હોતો નથી.
હવે, ‘હિટ મેન’ રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ કેપ્શન સાથે તસવીર શેર કરી છે, આ કેપ્શને વધુ ચર્ચા જગાવી છે. તસવીરના કેપ્શનમાં રોહિતે લખ્યું છે કે, ‘હું માત્ર મારી ટીમ માટે નથી રમતો. હું મારા દેશ માટે રમું છું’.
રોહિતે તસવીર શેર કરીને જે મેસેજ આપ્યો છે તેને લઈને તેના ફેન્સ પણ ખુશ છે અને તેના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘તે ખુબ જ સારી વાત કરી, તારા પર ગર્વ છે’.
મહત્વપૂર્ણ છે કે, વેસ્ટઈન્ડીઝ જતા પહેલા શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘ટીમ જે રીતે રમે છે, તેમાં કોઈ પણ ખેલાડી ટીમથી મોટો નથી. જે રીતે ખેલાડી રમે છે, તે દેશના હિતમાં રમે છે. જો વિવાદ હોય તો વર્લ્ડ કપ દરમિયાન પર્ફોમન્સ પણ ખરાબ જ હોત’.