INDvAUS: એડિલેડમાં ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા હીરો, જાણો વિગત
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ઘણા વર્ષો બાદ ભારતીય ટીમે વિદેશમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 31 રને વિજય મેળવ્યો હતો. ભારતની જીતમાં ચેતેશ્વર પૂજારાનો સૌથી મોટો રોલ રહ્યો હતો. પૂજારા ઉપરાંત આ પ્લેયર્સે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં યોગદાન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહમ્મદ શમીઃ પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા એક તબક્કે ભારત પર લીડ લઇ લે તેમ લાગતું હતું ત્યારે શમીએ ત્રાટકીને સળંગ બે બોલમાં ટ્રેવિસ હેડ અને હેઝલવુડને આઉટ કરી ભારતને 15 રનની સરસાઇ અપાવી હતી. બીજી ઈનિંગમાં જ્યારે વિકેટની જરૂર હતી તેવા સમયે જ હેરિસ, હેન્ડસકોમ્બ અને સ્ટાર્કની વિકેટ લઈ ભારતની જીત નિશ્ચિત કરી હતી.
અજિંક્ય રહાણેઃ પ્રથમ ઈનિંગમાં રહાણે માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ બીજી ઈનિંગમાં તેણે 70 રનની ઇનિંગ રમી અને પૂજારા સાથે મળી મોટી લીડ તરફ ટીમ ઈન્ડિયાને લઈ ગયો હતો.
ચેતેશ્વર પૂજારાઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 41 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પૂજારાએ રોહિત શર્મા, રિષભ પંત, અશ્વિન સાથે નાની નાની પાર્ટનરશિપ કરી ટીમ ઈન્ડિયાને 250 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ દરમિયાન પૂજારાએ કરિયરની 16મી સદી પણ ફટકારી હતી. બીજી ઈનિંગમાં પણ પૂજારાએ 71 રનની ઈનિંગ રમી હતી. પૂજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
રિષભ પંતઃ વિકેટકિપર કમ બેટ્સમેન રિષભ પંતે મેચમાં કુલ 11 કેચ ઝડપીને એબી ડીવિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી. ઉપરાંત બેટિંગમાં પ્રથમ ઈનિંગમાં 25 અને બીજી ઈનિંગમાં 28 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
જસપ્રીત બુમરાહઃ પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 3 મળી કુલ 6 વિકેટ લીધી હતી.
રવિચંદ્રન અશ્વિનઃ અશ્વિને પ્રથમ ઈનિંગમાં 25 રન બનાવવા સહિત બોલિંગમાં પ્રથમ અને બીજી ઈનિંગમાં 3-3 મળી મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -