મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એરોન ફિંચ (110 રન અણનમ) અને ડેવિડ વોર્નરે (128 રન અણનમ) પ્રથમ વિકેટ માટે 258 રનની અણનમ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું. વોર્નરે વન ડે કરિયરની 18મી અને ફિંચે વન ડે કરિયરની 16મી સદી ફટકારી હતી. મેચ જીતવાની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 1-0ની લીડ લઈ લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીનો બીજો મુકાબલો 17 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.


વાનખેડે અને ભારત સામે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ

વોર્નર (128* રન) અને ફિંચ (110* રન)ની જોડીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ઓપનિંગ પાર્ટનરશિપનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે અણનમ 258 રન જોડ્યા હતા. આ પહેલાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના રોઝ ટેલર અને ટોમ લાથમના નામે હતો. બંનેએ 2017માં 200 રનની પાર્ટનરશિપ કરી હતી.  આ ઉપરાંત વોર્નર-ફિંચની જોડીએ ભારત સામે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો હતો. આ પહેલાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેઇલી અને સ્ટીવ સ્મિથના નામે હતો. બંનેએ 2016માં પર્થમાં ત્રીજી વિકેટ માટે 242 રન જોડ્યા હતા.


વોર્નરે માર્ક વૉની અને ફિંચે ગિલક્રિસ્ટની કરી બરાબરી

વોર્નરે વાનખેડેમાં સદી ફટકારવાની સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સ્ટીવ વૉની બરાબરી કરી લીધી છે. માર્ક વૉ અને વોર્નર 18 સદી સાથે બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે રહેલા રિકી પોન્ટિંગે 29 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે વન ડે કરિયરની 16મી સદી ફટકારી હતી. જેની સાથે તેણે ગિલક્રિસ્ટની બરોબરી કરી છે. બંનેના નામે વન ડેમાં 16-16 સદી છે.

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી લીધી ફિલ્ડિંગ

મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત પ્રથમ બેટિંગ કરતાં 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફથી શિખર ધવને સર્વાધિક 74 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે 47 રન બનાવ્યા હતા.  ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 56 રનમાં 3 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને કેન રિચર્ડસનને 2-2 સફળતા મળી હતી.


30 રનમાં ગુમાવી 4 કિંમતી વિકેટ

ભારતે 13 રનના સ્કોર પર રોહિત શર્મા (10 રન)ની વિકેટ ગુમાવ્યા બાદ વન ડાઉન તરીકે શિખર ધવન સાથે લોકેશ રાહુલ જોડાયો હતો. બંનેએ બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ 47 રન બનાવી બીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. જે બાદ શિખર ધવન 74 રન અને વિરાટ કોહલી 16 રન અને શ્રૈયસ ઐયર 4 રન બનાવી આઉટ થઈ જતાં ભારતનો સ્કોરો 134/1 વિકેટથી 164/5 વિકેટ થઈ ગયો હતો. ભારતે માત્ર 30 રનના ગાળામાં જ ચાર કિંમતી વિકેટો ગુમાવી હતી. પંતે 28, જાડેજાએ 25 અને ઠાકુરે 13 રનનું યોગદાન આપ્યું હતું.


ભારતની પ્લેઇંગ ઇલેવન:  રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ


સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનય-મુકેશની ક્યૂરેટિવ અરજી ફગાવી, જાણો વિગતે