એડિલેડઃ ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે 323 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ છ વિકેટના નુકસાન પર 186 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે ચાર વિકેટની જરૂર છે જ્યારે ઓસ્ટ્રેલિયા હજુ પણ 137 રન પાછળ છે. કેપ્ટન ટીમ પેન 40 અને પૈટ કમિન્સ 5 રને રમતમાં છે. શોન માર્શને બુમરાહે 60 રન પર આઉટ કર્યો હતો. શોન માર્શ અને ટિમ પેને છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. આજે પાંચમા દિવસે ઇશાંત શર્માએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઇશાંતે ટ્રેવિસ હેડને 14 રને આઉટ કર્યો હતો.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ટીમ ઇન્ડિયાને જીતવા ફક્ત ચાર વિકેટની જરૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 137 રન બનાવવાના છે અને તેમના હાથમાં ફક્ત ચાર વિકેટ છે. આ અગાઉ ગઇકાલે ચોથા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ પર 104 રન બનાવી લીધા હતા. પૂજારા અને રહાણેની અડધી સદીની મદદથી ભારતે બીજી ઇનિંગમાં 307 રન બનાવ્યા હતા. નાથન લિયોને 6 વિકેટ ઝડપી હતી.