નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સીરિઝની પ્રથમ મેચમાં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશની ટીમ 150 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. જેના જવાબમાં દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં  એક વિકેટના નુકસાન પર 86 રન બનાવી લીધા હતા. ભારત હજુ બાંગ્લાદેશથી 64 રનથી પાછળ છે જ્યારે નવ વિકેટ બાકી છે. પૂજારા 43 અને અગ્રવાલ 37 રને રમતમાં હતા. રોહિત શર્મા છ રન બનાવી આઉટ થયો હતો.


રોહિતના આઉટ થયા બાદ અગ્રવાલ અને પૂજારાએ બીજી વિકેટ માટે અણનમ 72 રનની ભાગીદારી કરી હતી. આ અગાઉ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 150 રનમાં સમેટાઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહિમે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન મોમિનુલ હકે 37, લિટન દાસે 21 અને  મોહમ્મદ મિથુને  13 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી મોહમ્મદ શમ્મીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.