IND vs ENG: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટી20 સિરીઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું છે. તેમજ મિસ્ટ્રી સ્પિનર ​​વરૂણ ચક્રવર્તીની પણ ટીમમાં વાપસી થઈ છે. ઈગ્લેન્ડ સામે 12 માર્ચથી ટી20 સીરિઝ શરુ થવા જઈ રહી છે.


IPL 2020 માં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને અગાઉ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયા જઇ શક્યો ન હતો. ત્યારે વિકેટકિપર બેટ્સમેન ઇશાન કિશન અને મુંબઇ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ 2020 માં શાનદાર પ્રદર્શન કરનાર ટોપ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર ખેલાડી રાહુલ તેવટિતાને પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટી20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેવટિયાએ યુએઈમાં રમાયેલી IPL 2020 માં 255 રન અને 10 વિકેટ પોતાના નામે કરી હતી. પરંતુ તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલને પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી.


ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તેણે ડિસેમ્બર 2019 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ઈજાના કારણે ભુવનેશ્વર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ જઈ શક્યો ન હતો. આ સિવાય સ્વીંગ બોલર દિપક ચહરની પણ ટીમમાં વાપસી થઈ છે.

ટીમ ઈન્ડિયા:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા( ઉપ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખ ધવન, શ્રેયસ અય્યર, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન(વિકેટકીપર), ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવટિયા, ટી. નટરાજન, ભુવનેશ્વરકુમાર, દિપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર