નવી દિલ્હીઃ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલ પ્રથમ સેમી ફાઈનલ મેચમાં બુધવારે ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલ 240 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે પાંચ રન પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલની વિકેટ ગુમાવી હતી. રનમશીન તરીકે ઓળખાતા વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી ફરી એક વખત વર્લ્ડકપ નોકઆઉટમાં ફ્લોપ સાબિત થયો છે.




વિરાટ કોહલી આ પહેલા 2015 અને 2011ના વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતા. અત્યાર સુધી કોહલી પાંચ નોકઆઉટ મુકાબલા રમી ચૂક્યો છે પણ તેના આંકડા ઘણા ખરાબ છે. આ પાંચ નોકઆઉટ મેચની ઇનિંગ્સમાં કોહલીએ 14.40ની એવરેજથી ફક્ત 72 રન બનાવ્યા છે. તે ફક્ત એક જ વખત 30થી વધારે રન બનાવવામાં સફળ રહ્યો છે. તે ત્રણ વખત વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં રમવા ઉતર્યો છે અને ફક્ત 3.67ની એવરેજથી 11 રન બનાવ્યા છે. 2011માં પાકિસ્તાન સામેના મુકાબલામાં તે 9 રન બનાવી આઉટ થયો હતો. 2015માં ઓસ્ટ્રેલિયા સામે 1 રન બનાવી અને 2019માં ન્યૂઝીલેન્ડ સામે 1 રન બનાવી આઉટ થયો હતો.



રિષભ પંતે પોતાની પ્રથમ સેમિ ફાઇનલમાં 32 રન બનાવ્યા છે. તે વિરાટ કોહલીના ત્રણ સેમિ ફાઇનલ મુકાબલા કરતા વધારે રન બનાવી ચૂક્યો છે. કોહલીએ ત્રણ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ફક્ત 11 રન બનાવ્યા છે.