ભારત હાલમાં મુખ્ય ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. ઓપનર શિખર ધવન, ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા, બોલર દીપક ચહર અને ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે ઘણા સમયથી ટીમની બહાર છે. ઈજામુક્ત થયા બાદ ધવનને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં સામેલ કરાયો હતો પરંતુ અંતિમ વન-ડેમાં તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.
જોકે લોકેશ રાહુલે ધવનની ખોટ સાલવા દીધી ન હતી. ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયા બાદ રાહુલે વન-ડે અને ટી20 ટીમમાં મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. બોલિંગની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ વર્લ્ડ કપ 2019 બાદ એક સાથે રમી નથી અને ન્યૂઝીલેન્ડમાં પણ તેઓ સાથે રમે તેવી શક્યતા નથી. ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી પર રહેશે જ્યારે શાર્દૂલ ઠાકુર કે નવદીપ સૈનીમાંથી કોઈ એકને તક મળશે.
પ્રથમ ટી20 મેચની પૂર્વસંધ્યાએ કોહલીએ કહ્યું હતું કે અમે બદલો લેવા અંગે વિચારી રહ્યા નથી. જો તમે બદલો લેવા અંગે પણ વિચારશો તો ન્યૂઝીલેન્ડના લોકો એટલા સારા છે કે તમારામાં બદલાની ભાવના આવી જ શકે નહીં. આ ફક્ત મેદાન પર પ્રતિસ્પર્ધા કરવાની વાત છે. આ એ ટીમ છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઉદાહરણ રજૂ કર્યું છે. વર્લ્ડ કપ ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ક્વોલિફાઈ થઈ હતી ત્યારે અમે ખુશ હતા. જ્યારે તમે હારો છો ત્યારે તમારે બધી બાબતોને ઘણી મોટી રીતે જોવી જોઈએ.
ન્યૂઝીલેન્ડે ગત વર્ષે ટી20 શ્રેણીમાં ભારતને 2-1થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસમાં પણ કિવિ ટીમ 2-1થી શ્રેણી જીતી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી પાંચ મેનચી શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન હોવા છતાં ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડને 3-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કેન વિલિયમ્સનની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેન્રી અને લોકી ફર્ગ્યુસન પણ નથી. આ ત્રણેય ખેલાડીઓ ઈજાના કારણે શ્રેણીમાં રમવાના નથી.