ધર્મશાલાઃ ભારત અને  સાઉથ આફ્રિકા વચ્ચે આજે સાંજે ત્રણ ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચ રમાશે. આજની મેચ શરૂ થાય તે અગાઉ ધર્મશાલામાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ધર્મશાલામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે પણ સાંજે કાળા વાદળ છવાયેલા રહેશે અને વરસાદ વરસી શકે છે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. જો ત્યારે પણ વરસાદ પડશે તો મેચ પાંચ-પાંચ ઓવરની રમાડવામાં આવી શકે છે જે સતાવાર રહેશે. સ્ટેડિયમમાં પાણી બહાર કાઢવાની સારી વ્યવસ્થા હોવાના કારણે  પાણી બહાર ઝડપથી કાઢી શકાય છે. તેમ છતાં મેચ માટે મેદાન તૈયાર થાય ત્યારબાદ પણ જો વરસાદ વરસશે જો મેચ પાંચ-પાંચ ઓવરની કરાઇ શકે છે. ધર્મશાલામાં હવામાનમાં ઠંડકની સાથે ભેજ પણ છે.


એવામાં આજની મેચમાં ટોસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ધર્મશાલાનું તાપમાન ઓછામાં ઓછું 17 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. નોંધનીય છે કે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં ક્લીન સ્વિપ કર્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકા ઇચ્છશે કે આજની મેચમાં વરસાદ ના પડે અને તે સીરીઝની જીત સાથે શરૂઆત કરી શકે. છેલ્લા પ્રવાસમાં સાઉથ આફ્રિકાની ટીમે ટીમ ઇન્ડિયાને ટી-20 સીરિઝમાં 2-0થી હાર આપી હતી.