નવી દિલ્હીઃ  વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.  T-20 વર્લ્ડ કપને એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા આજથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં યુવા ખેલાડીઓને અજમાવવા માટે તૈયાર છે.  ક્વિન્ટન ડી કૉકની આગેવાની હેઠળની ન્યૂ લૂક ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમમાં કેટલાક અનુભવી સુપરસ્ટાર્સ પણ સામેલ છે, જેની સામે ભારે સંભાળીને રમવું પડશે.


ભારત આજે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T-20 સીરિઝનો પ્રથમ મુકાબો રવિવારે ધર્મશાળાના એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7.00 કલાકથી મેચ શરૂ થશે. ધર્મશાળાની પીચ ફાસ્ટ બોલરોને મદદ કરશે તેમ માનવામાં આવે છે. મેચમાં વરસાદનું વિઘ્ન પણ આવી શકે છે.

મેચનું અંગ્રેજીમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ-1 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 HD તથા હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ-3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 HD પરથી પ્રસારિત થશે. હોટસ્ટાર પરથી મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ જોઈ શકાશે.