ઢાકાઃબાંગ્લાદેશમાં રમાયેલી ટી-20 ટ્રાય સીરીઝમાં ઝીમ્બાબ્વે સામે અફઘાનિસ્તાનનો 28 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં પાંચ  વિકેટ પર 197 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઝીમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 169 રન બનાવી શકી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ ઝીમ્બાબ્વેના બોલરોની ધોલાઇ કરી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના  મોહમ્મદ નબી અને નજીબુલ્લાહ જાદરાને 7 બોલમાં 7 સિક્સર ફટકારી હતી. જાદરાને 30 બોલ પર અણનમ 69 રનની ઇનિંગ રમી પોતાની ટીમને મોટો સ્કોર કરવામાં મદદ  કરી હતી. જ્યારે નબીએ 18 બોલમા 38 રનની ઇનિંગ રમી હતી.


નબીએ તેંદઈ ચટારાના બોલ પર 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ પછી નજીબુલ્લાહે નેવિલ માદજિવાના બોલ પર સતત 3 સિક્સર ફટકારી હતી. નબી અને જાદરાને મળીને 8 બોલમાં 47 રન બનાવ્યા હતા. ક્રિકેટમાં સતત 7 બોલમાં 7 સિક્સર ફટકારવાની સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે. આ પછી બંનેએ આગામી 40 બોલમાં 107 રન બનાવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પાંચમી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે.
અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગમાં 17મી ઓવરના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર નબીએ સિક્સ ફટકારી હતી. બાદમાં 18મી ઓવરના પ્રથમ, બીજા અને ત્રીજા બોલ પર જાદરાને ત્રણ સિક્સ ફટકારી હતી. આ સાથે સાત બોલમાં સળંગ સાત સિક્સ ફટકારાઇ હતી.