નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની શાનદાર બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાને ત્રીજી વન-ડેમાં છ રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને હાર આપીને સીરિઝ પર 3-0થી કબજો કર્યો હતો. એકતા બિષ્ટને વુમન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી જ્યારે મેરિજાને કાપને વુમન ઓફ ધ સીરિઝ એવોર્ડ અપાયો હતો.

ભારતે આ અગાઉ બુધવારે પ્રથમ વન-ડેમાં આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો. જ્યારે શુક્રવારે રમાયેલી બીજી વન-ડે મેચમાં સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હાર આપી હતી. ત્રીજી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 45.5 ઓવરમાં 146 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

ટીમ ઇન્ડિયા તરફથી હરમનપ્રીત કૌરે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા જ્યારે શિખા પાંડે 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ મેરિજાને કાપે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે શબનિમ ઇસ્માઇલ અને અયાર્બોગા ખાકાને બે-બે સફળતા મળી હતી.