નવી દિલ્હીઃ ઈજાની સમસ્યાથી પરેશાન ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વન ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ અને પાંચમી ટી-20 દરમિયાન ભારતીય ઈનિંગની 16મી ઓવરમાં રોહિત શર્માને પગની ઈજા થઈ હતી. જેના કારણે હવે તે 3 મેચની વન ડે સીરિઝ અને 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નહીં હોય.


60 રન બનાવી રોહિત થયો રિટાયર્ડ હર્ટ

રવિવારે રમાયેલી પાંચમી અને અંતિમ ટી-20માં રોહિત શર્મા 60 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે તે ફિલ્ડિંગમાં પણ નહોતો આવ્યો અને તેના સ્થાને લોકેશ રાહુલે કેપ્ટનશિપ કરી હતી. પાંચમી ટી-20માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને રોહિતે સુકાની પદ સંભાળ્યું હતું.

રોહિતનું સ્થાન લેવા કોણ-કોણ છે દાવેદાર

રોહિત શર્માના સ્થાને વન ડે ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ટેસ્ટ ટીમમાં રોહિતના સ્થાને લોકેશ રાહુલને તક મળી શકે છે. લોકેશ રાહુલ ઓગસ્ટ, 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વખત ટેસ્ટ રમ્યો હતો. ટી-20 સીરિઝમાં દર્શાવેલા શાનદાર ફોર્મ બાદ તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત પૃથ્વી શૉ અને શુભમન ગિલ પણ દાવેદાર છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ ODI સીરીઝ કાર્યક્રમ

પ્રથમ વન ડે, 5 ફેબ્રુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, સવારે 7.30 કલાકે

બીજી વન ડેઃ 8 ફેબ્રુઆરી, ઈડન પાર્ક, ઓકલેન્ડ, સવારે 7.30 કલાકે

ત્રીજી વન ડેઃ 11 ફેબ્રુઆરી, બે ઑવલ, સવારે 7.30 કલાકે

ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ, 21 થી 25 ફેબ્રુઆરી, વેલિંગ્ટન, સવારે 4.00 કલાકે

બીજી ટેસ્ટઃ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ, ક્રાઇસ્ટચર્ચ, સવારે 4.00 કલાકે

ટીમ ઈન્ડિયા છે ઈજાથી પરેશાન

ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત પહેલા ઈશાંત શર્મા અને શિખર ધવન ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થઈ ગયા હતા. થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યા ઈજામાંથી મુક્ત ન થઈ શકતા ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ભુવનેશ્વર કુમાર પણ ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે.

INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર