નવી દિલ્હીઃ આઈપીએલની આ સીઝનમાં આંદ્રે રસેલે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એવી ઇનિંગ રમી છે જે આવનારા ઘણાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. રસેલને લઈને સાથી ખેલાડી કુલદીપયાદવે કેટલીક મહત્ત્વની વાત કહી છે. તેણે જણાવ્યું કે, બેટિંગ દરમિયાન રસેલને કેવી રીતે મુશ્કેલીમાં મુકી શકાય છે.




KKRના તેના સાથી કુલદીપ યાદવે કહ્યું કે, તેણે રસેલની નબળાઈ શોધી લીધી છે, જેનો તે 30મેથી 14 જુલાઈ દરમિયાન થનારા વર્લ્ડકપ દરમિયાન ફાયદો ઉઠાવવા માગે છે. કુલદીપે કહ્યું, ‘તેને ટર્ન થતા બોલનો સામનો કરવામાં મુશ્કેલી થાય છે. બોલ ટર્ન થઈ રહ્યો હોય તો તે તેની નબળાઈ છે. માત્ર એટલું જ નહીં, મેં વર્લ્ડ કપમાં તેના માટે જુદા-જુદા પ્રકારના પ્લાન બનાવ્યા છે. હું જાણું છું કે, તેને કેવી રીતે રોકવાનો છે અને મારા વિચારો સ્પષ્ટ છે.’



તે રસેલ સાથે એક જ ડ્રેસિંગ રૂમમાં રહે છે પણ કુલદીપે સ્વીકાર્યું કે, તે નેટ્સ પર રસેલને ક્યારેય બોલિંગ કરતો નથી. તેણે કહ્યું, ‘તે સ્પિનર્સની સામે કોઈ તક ચૂકતો નથી. તે ફાસ્ટ બોલર્સ માટે આતંક છે અને હું તેને નેટ્સમાં ક્યારેય બોલિંગ કરતો નથી. જ્યારે તમારી બોલિંગમાં સતત બે છગ્ગા વાગે ત્યારે તમે દબાણમાં આવી જાઓ છો.’