કોલકાતાઃ રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માકડ રન આઉટ કર્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનની ભલે કેટલાક પૂર્વ ક્રિકેટર્સ ટીકા કરી રહ્યા હોય, પરંતુ કોલકાતા પોલીસ તેના દ્વારા સકારાત્મક સંદેશ આપી રહી છે. તેણે ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવાવવા માટે આ રન આઉટનો ઉપયોગ કર્યો છે. કોલકાતા પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે.


અશ્વિને એ મેચમાં રાજસ્થાનના જોસ બટલરને માકડ રન આઉટ કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં આ અંગે ખૂબ ચર્ચા થઇ અને ટ્રેન્ડ થવા લાગ્યું. કોલકાતાની ટ્રાફિક પોલીસે એક તસવીર શેર કરી જેમાં એક બાજુ અશ્વિન બટલરને માકડ રન આઉટ કરતો બતાવવામાં આવ્યો છે અને બીજી બાજુ રોડ પર ઉભેલી એક કાર રેડ લાઇટ હોવા છતાં લાઇન ક્રોસ કરતી બતાવવામાં આવી છે. આ તસવીર સાથે લખવામાં આવ્યું છે કે, ક્રિઝ હોય કે રોડ, લાઇન ક્રોસ કરી તો તમારે પસ્તાવાનો જ વારો આવશે.