નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાવાની છે, ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ સીઝન 13માં રમવાની મંજૂરી આપી નથી. બીસીબીએ મુસ્તફિઝૂરને નોન- ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે.


રિપોર્ટ અનુસાર, મુસ્તફિઝૂરને આઈપીએલ ફ્રેન્ચાઈજી ટીમો તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. કોલકાતા નાઈટરાઈડર્સે તેને પોતાની ટીમમાં જોડાવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

મુસ્તફિઝૂર 2018માં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. આ પહેલા 2016 અને 2017માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે રમ્યો હતો.



ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલઅનુસાર, બીસીબીના ક્રિકેટ ઓપરેશનના ચેરમેન અકરમ ખાને કહ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં બાંગ્લાદેશની ટીમ શ્રીલંકા પ્રવાસે જવાની જેના કારણે મુસ્તફિઝૂરને આઈપીએલ 13માં રમવા માટે એનઓસી આપવાનો ઈનકાર કરી દીધો છે.

અકરમ ખાને કહ્યું કે, “મુસ્તફિઝૂરને આઈપીએલ રમવાનો પ્રસ્તાવ મળ્યો હતો પરંતુ અમે તેમને એનઓસી આપી નથી. તે અમારા માટે એક મહત્વપૂર્ણ ક્રિકેટર છે. આગામી સીરી ઝ પણ અમારા માટે મહત્વપૂર્ણ છે.” બાંગ્લાદેશ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ માટે ઓક્ટોબર-નવેમ્બમાં શ્રીલંકા જવાની છે. આ સીરીઝ 24 ઓક્ટોબરથી શરૂ થવાની છે.