Ravindra Jadeja and CSK: IPL 2022 દરમિયાન, રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મતભેદ થયા હોવાના અહેવાલો આવ્યા હતા. હવે કેટલાક અહેવાલોમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, જાડેજા અને CSKએ તેમના રસ્તા અલગ કરી લેવાનો નિર્ણય લીધો છે. શક્ય છે કે આગામી થોડા દિવસોમાં આ બંનેમાંથી કોઈ એક આ અંગેની જાહેરાત પણ કરે. જો કે આ બધાની વચ્ચે એ સવાલ થઈ રહ્યો છે કે, CSKથી અલગ થયા બાદ રવિન્દ્ર જાડેજા કઈ ફ્રેન્ચાઈઝી માટે રમી શકે છે? આ પ્રશ્નના જવાબમાં અમે અહીં એક નાનકડું વિશ્લેષણ લાવ્યા છીએ.
1. મુંબઈ ઈન્ડિયન્સઃ
આઈપીએલની ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. આ સિઝનમાં મુંબઈની ટીમને હાર્દિક અને કૃણાલ પંડ્યાની મોટી ખોટ રહી હતી. હાર્દિકના વિકલ્પ તરીકે મુંબઈ પાસે કેટલાક ખેલાડીઓ છે. પરંતુ તે કૃણાલનો વિકલ્પ શોધી શકી ન હતી. કૃણાલ બોલિંગ સ્પિનની સાથે સારી બેટિંગ પણ કરતો હતો. જો મુંબઈ ઈન્ડિયન્સ રવિન્દ્ર જાડેજાને પોતાની ટીમમાં સામેલ કરે તો તેમની મોટી સમસ્યા દૂર થઈ શકે છે. જોકે મુંબઈએ આ માટે કેટલાક ખેલાડીઓને છોડવા પડશે. પોલાર્ડ જેવા ખેલાડીઓને મુંબઈમાંથી રજા મળે તેવી શક્યતા છે. જાડેજાને પોતાની ટીમમાં લેવા માટેની રેસમાં મુંબઈ પણ મોખરે જોવા મળી રહ્યું છે.
2. પંજાબ કિંગ્સઃ
આઈપીએલની આ સિઝનમાં રાહુલ ચાહરે પંજાબ કિંગ્સ માટે સ્પિનરની સારી ભૂમિકા ભજવી હતી પરંતુ ઘણી મેચોમાં તે બહુ અસરકારક સાબિત થઈ શક્યો ન હતો. આવી સ્થિતિમાં પંજાબની ટીમ અનુભવી સ્પિનરની શોધમાં છે. જાડેજા અહીં મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે. બોલિંગની સાથે જાડેજા પંજાબની બેટિંગ લાઇનઅપને પણ મજબુત બનાવી શકે. શક્યતા એવી પણ છે કે પંજાબની ટીમ શાહરૂખ ખાન જેવા મોંઘા ખેલાડીને છોડીને જાડેજાને પોતાની ટીમમાં સ્થાન આપે.
3. સનરાઇઝર્સ હૈદરાબાદ:
હૈદરાબાદની ટીમ પાસે મજબૂત ફાસ્ટ બોલર છે. સ્પિન બોલિંગમાં પણ ટીમની પાસે વોશિંગ્ટન સુંદર છે. પરંતુ વોશિંગ્ટનની ઈજાની સમસ્યાને કારણે સનરાઈઝર્સ ફ્રેન્ચાઈઝી પણ રવિન્દ્ર જાડેજા પર દાવ લગાવી શકે છે. અબ્દુલ સમદ અને શ્રેયસ ગોપાલને રિલિઝ કરીને સનરાઈઝર્સ હૈદરાબાદ રવિન્દ્ર જાડેજાને પોતાની ટીમનો ભાગ બનાવવાનું વિચારી શકે છે.