Arshdeep Singh: IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવાર (22 એપ્રિલ)ની રાત્રે રમાયેલી મેચમાં જે રીતે પંજાબનો બૉલર અર્શદીપ સિંહ છેલ્લી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને આંચકા પર આંચકા આપી રહ્યાં હતો. હવે એવો જ આંચકો આઈપીએલને પણ લાગ્યો છે. હકીકતમાં મેચની છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહે સળંગ બે બૉલમાં મુંબઈના બે બેટ્સમેનોને બૉલ્ડ કર્યા હતા. આ દરમિયાન તેને બંનેવાર પોતાના બૉલથી સ્ટમ્પ તોડી નાખ્યા હતા. આ સ્ટમ્પ ખુબ મોંઘા હોય છે. આવામાં અર્શદીપના આ બે બૉલ IPL માટે ઘણા મોંઘા સાબિત થયા છે.
IPLમાં LED સ્ટમ્પનો ઉપયોગ થાય છે. આ LED સ્ટમ્પના સેટની કિંમત 25 થી 35 લાખની વચ્ચેની છે. તેની કિંમત જુદાજુદા દેશોમાં જુદીજુદી હોય છે. આવામાં જ્યારે અર્શદીપે તેના બે બૉલ પર બેક ટૂ બેક સ્ટમ્પ તોડી નાખ્યા છે, તો IPLને ઓછામાં ઓછું 50 થી 70 લાખનું નુકસાન થયું.
અર્શદીપે મેચની છેલ્લી ઓવરના ત્રીજા બૉલ પર તિલક વર્માને બૉલ્ડ કરતાં મીડલ સ્ટમ્પ તોડી નાંખ્યુ અને પછી ચોથા બૉલ પર નેહલ વાધેરાના સ્ટમ્પને વેરવિખેર કરી નાંખ્યુ હતુ. આ બેક ટૂ બેક વિકેટે પંજાબને મેચમાં જીત અપાવી હતી. આ મેચમાં પંજાબે મુંબઈને 13 રને હરાવ્યું હતું.
કેટલાય IPL ખેલાડીઓના પગારથી પણ મોંઘા છે સ્ટમ્પ -
જો પીચની બંને બાજુએ બે LED સ્ટમ્પનો સેટ ઉમેરવામાં આવે તો, તેની કિંમત 50 થી 70 લાખની વચ્ચે છે. IPLમાં કેટલાય એવા ખેલાડીઓ છે જેમની IPL સેલરી 50 લાખથી ઓછી છે. આમાં અજિંક્ય રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. આવામાં તે આશ્ચર્યજનક છે કે, સ્ટમ્પની કિંમત એક ખેલાડીના એક વર્ષના IPL પગાર કરતાં પણ વધુ છે.
કેમ આટલા મોંઘા હોય છે એલઇડી સ્ટમ્પ
આ સ્ટમ્પમાં એલઇડી લાઇટ લગાવવામાં આવેલી હોય છે. તે ક્લૉઝ રન આઉટ અને સ્ટમ્પિંગ જેવા નિર્ણયોમાં થર્ડ અમ્પાયરને ઘણી મદદ કરે છે. બૉલ અથવા હાથ આ સ્ટમ્પને અડે કે તરત જ તેમની LED ચમકવા લાગે છે, જે થર્ડ અમ્પાયરને નિર્ણય લેવાનું સરળ બનાવે છે. આ સાથે આ સ્ટમ્પ્સમાં એક માઈક પણ છે, જેના કારણે બૉલ અને બેટ વચ્ચેનો સંપર્ક પણ જાણી શકાય છે. આ સ્ટમ્પ સાથે કેમેરા પણ એટેચ કરેલા હોય છે.