IPL 2022 : કોલકાતા નાઈટ રાઈડર્સનો ખેલાડી પેટ કમિન્સ ચર્ચામાં છે. કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં IPLની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. તેણે માત્ર 14 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ મેચમાં મુંબઈને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. KKRની ઇનિંગ્સની 16મી ઓવરમાં કમિન્સે કુલ 35 રન બનાવ્યા હતા. તેણે ડેનિયલ સેમ્સની હાલત ખરાબ કરી નાખી હતી. 


KKR vs MIમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ  162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં KKRએ 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કોલકાતા માટે કમિન્સ સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. કમિન્સની ઇનિંગ્સમાં 6 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. કમિન્સની આ ઈનિંગ મુંબઈના બોલર સેમ્સ માટે કોઈ ભયાનક સપનાથી ઓછી નથી. આ વિડીયોમ  જુઓ  પેટ કમિન્સે ડેનિયલ સેમ્સની એક ઓવરમાં 35 રન કેવી રીતે બનાવ્યા હતા : 






મુંબઈ તરફથી ડેનિયલ સેમ્સ 16મી ઓવરમાં આવ્યો. આ દરમિયાન કમિન્સ સ્ટ્રાઇક  પર હતો. કમિન્સે આ ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને સેમ્સનું સ્વાગત કર્યું. તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ પછી ત્રીજા અને ચોથા બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી. આ પછી અમ્પાયરે પાંચમા બોલને નો બોલ જાહેર કર્યો હતો. આના પર કમિન્સે બે રન લીધા હતા. ત્યાર બાદ તેણે પાંચમા બોલ પર ચોગ્ગો અને છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. આ રીતે આ ઓવરમાં કુલ 35 રન આવ્યા.


KKRની જીતમાં કમિન્સે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ જીત્યા બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ કમિન્સના વખાણ કર્યા હતા.