ક્રિકેટના મેદાન પર રવિન્દ્ર જાડેજાએ ત્રણેય ક્ષેત્ર બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગમાં પોતાની તાકાત બતાવી છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, ODI, T20માં પણ મજબૂત સાબિત થયો છે. પરંતુ હવે તેણે તેની બાસ્કેટબોલ રમવાની કુશળતા પણ બતાવી દીધી છે. બાસ્કેટબોલ રમતી વખતે તે સતત ત્રણ વખત બોલને જોયા વગર બાસ્કેટમાં ગોલ કર્યો હતો. તેના પરફેક્ટ 'નો લુક શૉટ'ને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી રહી છે.


જાડેજાએ હોટલના લૉનમાં બાસ્કેટ બોલ પર પોતાના હાથ અજમાવ્યો હતો અને આ દરમિયાન પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. અહીં તે CSKના અન્ય ખેલાડીઓ સાથે બાસ્કેટબોલ શોટ્સ રમી રહ્યો હતો. જોયા વગર બોલને બાસ્કેટમાં નાખવાની વાત આવી ત્યારે તેણે તેના ત્રણેય પ્રયાસોમાં સફળતા મેળવી. જાડેજાએ તેના 'નો લુક શોટ્સ'નો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.






આ વખતે જાડેજા ચેન્નાઈની આગેવાની કરી રહ્યા છેઃ
રવિન્દ્ર જાડેજા આ વખતે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. IPL 2022ની શરૂઆતના એક દિવસ પહેલા જ જાડેજાને CSKની કમાન મળી હતી. આ નિર્ણય ધોનીએ પોતે લીધો હતો. જો કે જાડેજાએ કહ્યું છે કે, તેને આ બદલાવની જાણ ઘણા સમય પહેલા થઈ ગઈ હતી અને તેથી જ તે ટીમના લીડર તરીકેની માનસિકતા સાથે આઈપીએલની તૈયારી કરી રહ્યો હતો.


CSK ત્રણેય મેચ હાર્યુંઃ
જાડેજાની કપ્તાની હેઠળ CSK આ IPLની શરૂઆતની ત્રણેય મેચ હારી ચૂક્યું છે. ટીમ તેની અત્યાર સુધીની પ્રથમ જીત મેળવવા મથી રહી છે. IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત એવું બન્યું છે કે CSK સતત ત્રણ મેચ હાર્યું હોય.