IPl 2022: આ સીઝનમાં આજે ક્રિકેટ ચાહકોને વધુ એક ધમાકેદાર મુકાબલો જોવા મળશે જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઈટન્સ (GT) સામસામે ટકરાશે. પંજાબની કેપ્ટનશીપ મયંક અગ્રવાલ કરી રહ્યા છે તો ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપની જવાબદારી હાર્દિક પંડ્યા કરી રહ્યા છે. બંને ટીમે આ સીઝનમાં નવા કેપ્ટન સાથે મેચ રમી રહી છે. અત્યાર સુધીની મેચોમાં બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક વાર ફરીથી રોમાંચક મુકાબલો થવાની આશા છે. 


અત્યાર સુધીનું બંને ટીમોનું પ્રદર્શનઃ
ગુજરાત અને પંજાબની ટીમો આ સીઝનમાં પ્રથમ વખત સામસામે મેચ રમવા ઉતરશે. ગુજરાત ટાઈટન્સનું અત્યાર સુધીનું પ્રદર્શન સારું રહ્યું છે અને ટીમ પોતાની બંને મેચો જીતી ચુકી છે. જ્યારે બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમ પણ ફોર્મ છે અને અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. પંજાબે ત્રણમાંથી બે મેચો જીતી લીધી છે. જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ગુજરાતની ટીમ પોતાની જીતના લયને યથાવત રાખવાની કોશિશ કરશે અને બીજી તરફ પંજાબ પણ આ મેચ જીતીને પોઈંટ્સ ટેબલ પર ઉપર પહોંચવા પ્રયત્ન કરશે. ત્યારે આજની મેચ રોમાંચક રહેવાની પુરી સંભાવના છે.


હાઈ સ્કોરિંગ થઈ શકે છે મેચઃ
બ્રેબ્રોર્ન સ્ટેડિયમની પિચ બોલર અને બેટ્સમેન બંનેની મદદ કરે છે. આ મેદાનમાં ઝાકળ એક મહત્વનું પરિબળ સાબિત થાય છે. મેદાનની બાઉંડ્રી નાની છે અને આઉટફીલ્ડ તેજ છે જેના કારણે મેચમાં મોટો સ્કોર થવાની પુરી સંભાવના છે. આ પિચ પર પ્રથમ ઈનિંગમાં સરેરાશ સ્કોર 180 રન છે. બીજા નંબર પર રમવા આવતી ટીમનો આ પિચ પર શાનદાર રેકોર્ડ રહ્યો છે. રનનો પીછો કરીને જીત મેળવવાનો રેટ 60 ટકા છે. હવે જોવાની વાત એ રહેશે કે મેચનો ટોસ કોણ જીતે છે.