Rohit Sharma DC vs MI IPL 2023: ગઇકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રોહિત શર્માની ટીમની ટક્કર ડેવિડ વૉર્નરની ટીમ સામે થઇ હતી, આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપવાળી મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઇએ દિલ્હીને હરાવીને પોતાની પ્રથમ જીત મેળવી હતી. આ મેચમાં રોહિતે કેપ્ટન ઇનિંગ રમી હતી. તેને 65 રન બનાવ્યા હતા. આ અડધી સદી સાથે રોહિતે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તે IPLની કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાના મામલામાં બીજા નંબર પર પહોંચી ગયો છે. રોહિતને નંબર 1 બનવા માટે માત્ર 10 રનની જરૂર છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હાલમાં ટૉપ પર છે.


રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામેની ગઇકાલની મેચમાં 45 બૉલનો સામનો કરીને 65 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે તેણે દિલ્હી સામે 1020 રન પુરા કર્યા હતા. IPLમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા નંબરે છે. પંજાબના કેપ્ટન ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 1029 રન બનાવ્યા છે. તે આ મામલે ટૉચ પર છે. દિલ્હીનો કેપ્ટન ડેવિડ વૉર્નર ત્રીજા નંબર પર છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 1018 રન બનાવ્યા છે. વૉર્નરે પંજાબ વિરૂદ્ધ 1005 રન બનાવ્યા છે. આ પછી વિરાટ કોહલીનો નંબર આવે છે. કોહલીએ ચેન્નાઈ સામે 979 રન બનાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માને દિલ્હી સામેની મેચ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેને આઈપીએલમાં 19 વખત આ એવોર્ડ જીત્યો છે. આ મામલામાં પણ રોહિતે વૉર્નરને પાછળ પાડી દીધો છે. વોર્નરે IPLમાં 18 વખત 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો છે. આ મામલે એબી ડી વિલિયર્સ ટૉપ પર છે. તેણે આઈપીએલમાં 25 વખત આ ખિતાબ હાંસલ કર્યો છે.


IPLમાં કોઇપણ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ - 
શિખર ધવન વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ - 1029 રન 
રોહિત શર્મા વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇટર્સ - 1020 રન
ડેવિડ વૉર્નર વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સ  - 1018 રન
ડેવિડ વૉર્નર વિરુદ્ધ પંજાબ કિંગ્સ - 1005 રન
વિરાટ કોહલી વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ - 979 રન