GT vs RR: IPL 2022ની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખાસ રહી ન હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાનના 3 મુખ્ય બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. IPLની ફાઇનલમાં આવું કરનાર તે બીજો કેપ્ટન બન્યો છે.


સંજુ સેમસનને પેવેલિયન મોકલ્યો:
હાર્દિક પંડ્યાએ 9મી ઓવરના બીજા બોલ પર રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનની વિકેટ લીધી હતી. સંજુએ 11 બોલમાં 14 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી ગુજરાતના કેપ્ટન પંડ્યાએ રાજસ્થાનના ઓપનર જોસ બટલરને 39ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. રિદ્ધિમાન સાહાએ વિકેટની પાછળ બટલરનો શાનદાર કેચ પકડ્યો હતો. બટલર આ સિઝનમાં શાનદાર ફોર્મમાં હતો જોકે આજે ફાઇનલ મેચમાં સારી શરૂઆત બાદ પણ તે મોટો સ્કોર કરી શક્યો ન હતો. પંડ્યાએ તેને વધુ રન બનાવે તે પહેલાં આઉટ કર્યો હતો.


4 ઓવરમાં 17 રન આપ્યાઃ
પંડ્યાની બોલિંગ અહીં અટકી ન હતી અને તેણે 15મી ઓવરના છેલ્લા બોલ પર શિમરોન હેટમાયરને પેવેલિયન મોકલી દીધો હતો. હેટમાયરે 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. પંડ્યાએ તેનો શાનદાર કેચ લીધો હતો. આ સાથે હાર્દિક IPLની ફાઇનલમાં શાનદાર બોલિંગ કરનાર બીજો બોલર બની ગયો છે. તેણે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ IPL 2009માં અનિલ કુંબલેએ 16 રન આપીને 4 વિકેટ લીધી હતી.