IPL 2024:  IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. પહેલા મોહમ્મદ શમી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને હવે ટીમનો વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝ પણ આખી આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ શકે છે. આ જાણકારી ટીમના કોચ આશિષ નેહરાએ આપી છે. રોબિન મિન્ઝનો અકસ્માત થયો હતો અને તેથી જ તેના માટે આઈપીએલ 2024માં રમવું મુશ્કેલ છે.


રોબિન મિન્ઝને 3 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો


IPL 2024ની હરાજી દરમિયાન ગુજરાત ટાઇટન્સે રોબિન મિન્ઝને 3 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સે પણ તેના પર હરાજીમાં બોલી લગાવી હતી. રોબિન મિન્ઝ IPLનો ભાગ બનનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર બન્યો પરંતુ આ લીગમાં ડેબ્યૂ કરતા પહેલા જ રોબિન મિન્ઝ સાથે એક મોટી દુર્ઘટના થઈ ગઈ.


રોબિન મિન્ઝને બાઇક ચલાવતી વખતે અકસ્માત થયો હતો. રોબિનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાયું હતું. ડાબા હાથનો ખેલાડી કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી બાઇક સાથે અથડામણ એટલી ગંભીર હતી કે તેની બાઇકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ બાઈક અકસ્માતમાં રોબિનને તેના જમણા ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી.


હવે સમાચાર આવી રહ્યા છે કે આ માર્ગ અકસ્માતને કારણે રોબિન મિન્ઝ IPL 2024માં રમી શકશે નહીં. ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ કહ્યું કે, રોબિન મિન્ઝ માટે આ વર્ષે IPLમાં રમવું મુશ્કેલ છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ અમે રોબિન મિન્ઝ જેવા ખેલાડીને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.


તમને જણાવી દઈએ કે રોબિન મિન્ઝને IPL ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યા બાદ તેની ઘણી ચર્ચા થઈ હતી. તેના પિતા ફ્રાન્સિસ ઝેવિયર સેનાના નિવૃત્ત સૈનિક છે, જે હાલમાં રાંચી એરપોર્ટ પર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.   


ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 10 ટીમો IPL ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ વર્ષે ઘણા મોટા ખેલાડીઓ પણ મેદાનમાં પરત ફરશે. IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થશે. મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ થઈ ગયું છે.