ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની સિઝન ઓપનિંગ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના અનોખા અંદજમાં બેટિંગ કરીને 38 બોલમાં 50 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જો કે, કોલકાતાએ ચેન્નાઈએ આપેલા 132 રનના ટાર્ગેટને 9 બોલ બાકી રહેતાં જ મેળવી લીધો હતો. આ મેચમાં મુળ ગુજરાતના ભાવનગરના ખેલાડી અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં વિકેટકિપીંગ કરી રહેલા શેલ્ડન જેક્સને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.


આ મેચ દરમિયાન KKRના વિકેટકીપર શેલ્ડન જેક્સને શાનદાર વિકેટકીપીંગ કરી હતી. વરુણ ચક્રવર્તી દ્વારા ફેંકવામાં આવેલા વાઈડ બોલ પર જેક્સને રોબિન ઉથપ્પાને સ્ટમ્પ આઉટ કર્યો હતો. જેક્સને કરેલા આ સ્ટમ્પિંગથી મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ પ્રભાવિત થયા હતા. સચિને શેલ્ડન જેક્સના વખાણ કરતાં કહ્યું હતું કે, આ ખેલાડીએ પોતાની વિકેટકીપીંગની સ્ટાઈલથી મને ધોનીની યાદ અપાવી છે. જેક્સનની સ્ટંપિંગ કરવાની ઝડપને સચિને વીજળીની ગતિ સાથે સરખાવી હતી.






તો બીજી તરફ હેલમેટ વગર વિકેટકીપીંગ કરી રહેલા શેલ્ડન જેક્સનને યુવરાજસિંહે એક સલાહ પણ આપી હતી. યુવરાજે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "શેલ્ડન જેક્સને વિકેટકીપીંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. તમે ખૂબ ટેલેન્ટેડ ખેલાડી છો અને તમને ઘણા સમય પછી સુવર્ણ તક મળી છે. સાચવીને રમવું જોઈએ."






કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના વિકેટકીપર-બેટર શેલ્ડન જેક્સને કહ્યું કે, એમએસ ધોની તેનો પ્રેરણાસ્ત્રોત છે. જેક્સન વિકેટકિપીંગના સંદર્ભમાં ધોની તરફ જ ધ્યાન આપે છે. ઉલ્લેખનીય છે કે કાલની મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ ઐયરે જેક્સન સાથે 20 રનની ભાગીદારી સાથે કોલકાતાને વિજય અપાવ્યો હતો.