IPLની 15મી સિઝનની ત્રીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે આજે સાંજે સાડા સાત વાગ્યે મુંબઈના ડિવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. 27 માર્ચના રોજ રમાનારી આ મેચમાં મયંક અગ્રવાલ અને ફાફ ડુ પ્લેસિસ બે નવા કેપ્ટનની ટક્કર જોવા મળશે. બંને સમક્ષ વિજયી પ્લેઇંગ-11 પસંદ કરવાનો પડકાર રહેશે.


પંજાબ કિંગ્સને પ્રથમ મેચમાં જોની બેરસ્ટો અને કાગીસો રબાડાની ખોટ પડશે. બીજી તરફ ફાફ ડુ પ્લેસીસ સમક્ષ ઓપનિંગ જોડીને લઇને પડકાર રહેશે. પ્રથમ પાંચ મેચમાં ગ્લેન મેક્સવેલની ગેરહાજરીને કારણે ડુ પ્લેસિસ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. કોહલીની સાથે યુવા અનુજ રાવતને ઓપનિંગ માટે મોકલવામાં આવી શકે છે.


ગયા વર્ષે RCB તરફથી દેવદત્ત પડિકલ કોહલી સાથે ઓપનિંગ કરતો હતો. આ વખતે ડાબોડી અનુજ રાવતને આ જવાબદારી મળી શકે છે. બોલિંગની વાત કરીએ તો જોશ હેઝલવુડ અને જેસન બેહરનડોર્ફ આ મેચ માટે ઉપલબ્ધ નથી. મોહમ્મદ સિરાજ, ડેવિડ વિલી અને હર્ષલ પટેલ બોલિંગ આક્રમણ સંભાળી શકે છે. સ્પિનમાં વનિન્દુ હસરંગા કમાન સંભાળશે.


પંજાબ કિંગ્સની વાત કરીએ તો શિખર ધવન મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. તેના પછી વિકેટકીપર પ્રભસિમરન સિંહ અથવા જીતેશ શર્માને મોકલી શકાય છે. લિયામ લિવિંગસ્ટોન ચોથા નંબરે અને શાહરૂખ ખાન પાંચમા નંબરે બેટિંગ કરવા ઉતરી શકે છે.  ભાનુકા રાજપક્ષે અને ઓડેન સ્મિથ 6 અને 7માં ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. રાજ બાવા અને ઋષિ ધવનને તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. બોલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહને સંદીપ શર્મા, રાહુલ ચહર અને હરપ્રીત બ્રારનો સપોર્ટ મળી શકે છે.


પંજાબની સંભવિત પ્લેઇંગ ઇલેવન


મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, પ્રભસિમરન સિંહ/જિતેશ શર્મા (વિકેટમાં), લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન, ભાનુકા રાજપક્ષે, ઓડેન સ્મિથ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, રાહુલ ચહર અને સંદીપ શર્મા.


આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, શેરફેન રધરફોર્ડ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટમેન), શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, વનિન્દુ હસરાંગા, ડેવિડ વિલી અને મોહમ્મદ સિરાજ.