IPL 2022: IPL 15ની સિઝન પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન લીગની તમામ મેચો મુંબઈના વાનખેડે અને ડીવાય પાટીલ, બ્રેબ્રોન અને એમસીએ મેદાનમાં રમાઈ હતી. જે બાદ હવે પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને BCCI સેક્રેટરી જય શાહ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. તેમણે તમામ સ્ટેડિયમના પીચ ક્યુરેટર્સ માટે ઈનામની જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.



જય શાહે જાહેરાત કરી 


BCCI સેક્રેટરી જય શાહે પિચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે IPLના અનસંગ હીરોઝ માટે 1.25 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને આનંદ થાય છે. તેમણે TATA IPL 2022માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.


તેમણે આગળ ટ્વિટ કર્યું કે અમે આ સિઝનમાં ઘણી હાઈ વોલ્ટેજ ગેમ જોઈ છે. આ મેચો માટે પિચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેને ઘણી મહેનત કરી છે. આવી સ્થિતિમાં, સીસીઆઈ, વાનખેડે, ડીવાય પાટીલ અને એમસીએ, પુણેના દરેક પીચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ઈડન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પીચ ક્યુરેટરને 12.5 લાખ રૂપિયા આપવામાં આવશે.


ગુજરાત ટાઈટન્સ જીત્યું


ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી IPL 2022નું ટાઇટલ કબજે કર્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાતે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 34 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલનું ટાઈટલ જીતી ઈતિહાસ રચ્યો છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમના ખેલાડીઓ અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર રોડ શો  કર્યો હતો.  આ પહેલાં ટીમના ખેલાડીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને ખાતે પહોંચ્યા હતા. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા, ફાઈનલ મેચના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સહિતના તમામ ખેલાડીઓ અમદાવાદની હ્યાત હોટલથી બસમાં ગાંધીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.